Bhai Bij Katha

Best Gujarati Lyrics
0

 

ભાઈબીજ કથા

યમરાજા અને યમુનાજી બન્ને સગાં ભાઈ બહેન. એક વાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયાં અને કહ્યું : ‘ભાઈ ! કાલે મારે ઘરે જમવા આવજો.’ છતાં યમરાજા ન ગયાં.

બીજે દિવસે યમુનાજીએ પૂછ્યું : ‘ભાઈ ! તમે જમવા કેમ ન આવ્યા ?’ યમરાજાએ તો બહાનું બતાવ્યું. એટલે યમુનાજી બે વાર, ત્રણ વાર, ચાર વાર નોતરું દઈ ગયાં. છતાં યમરાજા તો ન ગયા તે ન જ ગયા.

એમને નવરાશ હોય તો જાય ને ! એ તો આખો દિવસ કામમાંથી નવરા જ ન પડે. બહેનને ના તો કહેવાય નહિ ! એટલે આજે આવીશ, કાલે આવીશ, પરમ દિવસે આવીશ. એમ કહ્યા જ કરે. યમુનાજી કંટાળ્યાં.

એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહથી આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ બહેનને ત્યાં જમવાનો સંકલ્પ કર્યો, પણ નરકની સંભાળ કોણ રાખે !





એમણે તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા. કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા !

યમુનાજીએ તો સુંગંધીદાર તેલથી ભાઈને નવરાવ્યા અને ભાતભાતની રસોઈ કરીને પ્રેમથી જમાડ્યા. બહેનના સત્કારથી યમરાજા પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવા કહ્યું !

યમુનાજીએ કહ્યું: ‘ભાઈ ! હંમેશા નહિ તો વરસમાં કારતકની બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા. કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાની બહેનના હાથે જમે તેને સુખ આપવું.’

યમરાજા બોલ્યા “બહેન ! મારું વચન છે કે, હું કારતકની અજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ ! અને જે ભાઈઓ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહિ જુએ.’

યમુનાજીએ પૂછ્યું : ‘કોઈને સગી બહેન ન હોય તો !’ યમરાજા બોલ્યા : સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી, મામાની દીકરી, માસીની દીકરી અથવા ફોઈની દીકરીને ત્યાં જમવું. એમ પણ બહેન ન હોય તો પોતાના મિત્રની બહેનને ત્યાં જમનાર ભાઈને પણ એવું જ ફળ મળશે.’

આ પ્રમાણે બહેનને વચન આપી, યથાશક્તિ ભેટ આપી યમરાજા ચાલતા થયા. ભાઈ રોગી હોય, બંધનમાં હોય અથવા તો બહેનને ત્યાં જવાનું ન જ બની શકે તો આ ભાઈબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે.

આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપી બહેનને રાજી કરે.


#whybhaidujiscelebrated#bhaibijstory#bhaidoojstor#bhaidoojstoryingujarati


Post a Comment

0Comments
Post a Comment (0)